T20 World Cup 2024 માટે ભારતીય ટીમ USA જવા રવાના થઈ, રોહિત શર્મા સહિત આ ખેલાડીઓએ ભરી ઉડાન ICC T20 વર્લ્ડ કપ 2024 માટે કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય ક્રિકેટરોની પ્રથમ બેચ શનિવારે અમેરિકા જવા રવાના થઈ હતી. રોહિત ઉપરાંત કોચિંગ સ્ટાફ પણ અમેરિકા જવા રવાના થયો હતો. ખેલાડીઓએ મુંબઈ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. વિરાટ કોહલી સહિત અન્ય ઘણા ખેલાડીઓ બીજા ગ્રુપ સાથે જશે.
પ્રથમ બેચમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે. લાંબા સમય બાદ ક્રિકેટમાં વાપસી કરનાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ અમેરિકા જવા રવાના થયો છે.
2 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024 ની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ કરશે. ભારતીય ક્રિકેટ ટીમ 5 જૂનથી આયર્લેન્ડ સામે તેની પ્રથમ મેચ રમશે. તે પહેલા ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે એકમાત્ર પ્રેક્ટિસ મેચ રમશે. ભારતનો મુકાબલો 9 જૂને પાકિસ્તાન સામે થશે, ત્યારબાદ ગ્રુપ Aમાં સહ-યજમાન યુએસએ (12 જૂન) અને કેનેડા (15 જૂન) સામે મેચ રમાશે.
રાજસ્થાન રોયલ્સે બુધવારે એલિમિનેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને હરાવ્યું હતું, ત્યારે શુક્રવારે રાત્રે ક્વોલિફાયર-2માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. SRH રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલ જેવા કેટલાક ભારતીય ખેલાડીઓ હજુ સુધી ટીમ સાથે જોડાયા નથી.