Afghanistan/અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત સેમિફાઇનલની રેસમાં દોડી રહી હતી, પરંતુ અંતે તેણે છઠ્ઠા સ્થાને રહીને પોતાની સફર સમાપ્ત કરી. અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પણ ભારતના લોકોને ભરપૂર પ્રેમ આપ્યો છે. આવો જ એક ગુપ્ત રીતે બનાવાયેલ વીડિયો સામે આવ્યો કે જેમાં રાત્રીના સમયે અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ રસ્તાઓ પર રહેતા લોકો પાસે જઈને દિવાળીની ઉજવણી માટે પૈસા વહેચતા જોવા મળ્યા હતા.
Afghanistan ક્રિકેટરે અમદાવાદના રસ્તા પર સૂતેલા ગરીબોની ક્રિકેટરે કરી મદદ!
તમે નેતાઓને તો ગરીબોની મદદ કરી ફોટા પડાવી જશ લેતા જોયા હશે પણ જે વ્યક્તિ દિલથી મદદ કરવા માંગે છે એ વ્યક્તિને ઓળખ માટે કોઈ ફોટા પડાવવાની જરૂરત નથી પડતી. અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ અડધી રાત્રે અમદાવાદના રસ્તાઓ પર નિકળી પડ્યા અને 500-500ની નોટો ઉંઘી રહેલા ગરીબ લોકોની બાજુમાં મૂકી ત્યાંથી નીકળી ગયા. રસ્તા પર સુતા લોકોને તો ખબર પણ નહોતી કે લોકો જેની સાથે સેલ્ફી લેવા દોડાદોડ કરે છે એ વ્યક્તિ તેમની પાસે આવીને જતો રહ્યો.
ગુરબાઝે 500-500ની નોટો ઉંઘી રહેલા ગરીબોને આપી
અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે અમદાવાદના રસ્તાઓ પર રહેતા લોકો પાસે જઈને દિવાળીની ઉજવણી માટે પૈસા આપ્યા છે. ગુરબાઝને તેની ઉદારતા માટે કોઈ પ્રચાર કરવાની જરૂર નહોતી. તેથી જ તે અમદાવાદના રસ્તાઓ પર રહેતા ગરીબ લોકો પાસે રાત્રે ત્રણ વાગ્યે એકલો ગયો હતો. બધા સૂતા હતા. ગુરબાઝે 500-500ની નોટો ઉંઘી રહેલા ગરીબ લોકોની બાજુમાં મૂકી, જાગી રહેલી મહિલાના હાથમાં પૈસા આપ્યા અને પછી ચુપચાપ કારમાં બેસીને ચાલ્યો ગયો.
ગુરબાઝનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ
આ દરમિયાન એક સામાન્ય વ્યક્તિએ ગુરબાઝને ઓળખ્યો અને તેને પૈસા વહેંચતા જોયો દૂરથી તેનો વીડિયો બનાવ્યો, અને જ્યારે ગુરબાઝ ત્યાંથી નીકળ્યો, ત્યારે તે ગરીબ લોકોની નજીક ગયો અને જોયું કે કેવી રીતે ગુરબાઝે બધા સૂતેલા ગરીબોની બાજુમાં પૈસા વહેંચ્યા. લોકો પાસે પૈસા રાખ્યા છે, જેથી તેઓ 12મી નવેમ્બરની સવારે જાગી શકે અને દિવાળી ઉજવી શકે. રહેમાનુલ્લા ગુરબાઝનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુરબાઝને ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ત્યારે ક્રિકેટરના આ કામના વખાણ લોકો કરી રહ્યા છે.
Home Page : Clack Hare