ઉંમર અને ઊંઘ વચ્ચે છે વિપરીત સંબંધ

જે લોકો ઓછી ઊંઘ લે છે તેમને અનેક સમસ્યાનો સામનો કરવો પડે, ઊંઘનું સમગ્ર ગણિત સમજો

મને ખબર નથી કે તમે એ વ્હોટ્સએપ ફોર્વર્ડ જોયું છે કે નહીં, જેમાં એવું  કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર 3થી 4 કલાક જ ઊંઘે  છે.

કેટલાક લોકો પીએમ પાસેથી શીખવાની અને આવી રૂટિન બનાવવાની સલાહ પણ આપે છે,  પરંતુ હવે પીએમ મોદીએ ખુદ 'મન કી બાત'માં 7 કલાક સૂવાની સલાહ આપી છે.

PM મોદીએ ચેસના ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ, અભિનેતા અક્ષય કુમાર અને  ક્રિકેટર હરમનપ્રીત કૌર સાથે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર વાત કરતાં આ  વાત કહી છે.

કોના માટે કેટલી ઊંઘ યોગ્ય છે અને ક્યારે ઊંઘ ન આવવાથી માનસિક અને શારીરિક  સ્વાસ્થ્ય બગડે છે, જે અંગે આજે આપણે 'તબિયતપાણી'માં વાત કરીશું

ફિઝિશિયન ડૉ.અકબર નકવી જણાવે છે કે માનવશરીર પોતે જ સંપૂર્ણ છે. કોઈપણ  બહારની મદદ વિના તે સતત પોતાની અંદર રહેલી ખામીઓને સુધારવા અને વિકાસ  કરવાનું કામ કરે છે.

આ કામ મોટે ભાગે ઊંઘ દરમિયાન થાય છે, જ્યારે આપણા ગ્રોથ હોર્મોન્સ એક્ટિવ હોય છે.

નાનાં બાળકો ખૂબ ઊંઘે છે. એની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. બાળકોના શરીરનો  વિકાસ થાય છે. તેમના મગજની પેશીઓ, શરીરના કોષો અને સમગ્ર શરીરનો વિકાસ થઈ  રહ્યો હોય છે.

આ સમય દરમિયાન તેમના ગ્રોથ હોર્મોન્સ વધુ રિલીઝ થાય છે, તેથી બાળક જેટલું  નાનું છે તે એટલું વધુ ઊંઘે છે. જ્યારે વૃદ્ધોને ખૂબ ઓછી ઊંઘ આવે છે,  કારણ કે તેમના શરીરમાં નવા ટિસ્યૂ બનવાનો અને જૂના ટિસ્યૂના દર ધીમો હોય  છે.

આવી સ્થિતિમાં જો ઘરના વડીલો સવારે 4 વાગે ઊઠે અને બાળકોને મોડા સૂવા માટે  ટોણાં મારતાં હોય તો એ અન્યાય થશે, કારણ કે ઊંઘ અને ઉંમર વચ્ચેનો સંબંધ  ઊંધો છે

ઊંઘ દરમિયાન હૃદયના ધબકારા, બ્લડપ્રેશર અને નર્વસ સિસ્ટમ ધીમી પડી જાય છે.  શ્વાસની ગતિ પણ ધીમી પડી જાય છે. આ સમય દરમિયાન શરીર અને મન બીજા દિવસની  તૈયારી કરે છે.