TRP ગેમ ઝોનના અગ્નિકાંડઃ 6 સામે રાજોકટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

TRP ગેમ ઝોનના અગ્નિકાંડઃ 6 સામે રાજોકટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, રાજકોટમાં આશરે 50 મીટ૨ પહોળુ તથા આશરે 60 મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલુ ઉંચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનથી માળખુ ઉભુ કરી ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવ્યું હતું. જેમાં ગઇકાલે 25 મેના રોજ ભીષણ આગ લાગી હતી. જેમાં 28 લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

TRP ગેમ ઝોનના અગ્નિકાંડ

ફરિયાદમાં જણાવવામાં અનુસાર, સયાજી હોટલ પાછળ આવેલ ટી. આર.પી. ગેમ ઝોનમાં 25 મે 2024ના આશરે સાંજે 5 વાગ્યાના અરસામાં આગ લાગેલી હોવાની જાણ કરતા બનાવવાળી જગ્યાએ પોલીસ સ્ટાફ તાત્કાલીક બનાવ વાળી જગ્યા સયાજી હોટલ પાછળ આવેલ ટી.આર.પી. ગેમ ઝોન પર પહોચી ગયો હતો. અત્રે આગને કાબુમાં લેવા ફાયરની કાર્યરત હતી અને પોલીસ દ્વારા ભીડ નિયત્રણ અને ટ્રાફીક નિયત્રણની કાર્યવાહી ચાલુ હતી અને સાથે સાથે વધુ માણસોની જરૂરીયાત જણાતા ઉપરી પોલીસ કંટ્રોલ રુમને જાણ કરી હતી.

આગ વાળી જગ્યાએ જોતા જે.એસ.પાર્ટી પ્લોટ તથા આશુતોષ પાર્ટી પ્લોટ પર સંયુકતપણે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટ૨ (1) ધવલભાઇ ભરતભાઇ ઠકકર તથા રેસ વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા (4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (6) રાહુલ લલીતભા ઇ રાઠોડ આમ ઉપરોકત છએય ભાગીદારો સાથે મળી ટી. આર.પી. ગેમ ઝોન તરીકે ઉપયોગ લઇ ઇન્ડોર આઉટડોર ગેમીંગની પ્રવૃતી ચલાવે છે. જેમાં ઇન્ડોર ગેમ ઝોનનો વિભાગ બેથી ત્રણ માળ જેટલુ ઉંચુ તથા આશરે 60 મીટર લાંબુ તથા આશરે 50 મીટર પહોળુ ફ્રેબ્રીકેશનના સ્ટ્રકચર પર ચારેબાજુ પતરાથી કવર કરી બનાવવામાં આવ્યો હતો. જેના બહારના ખુલ્લા ભાગે ગોકાર્ટીંગ વિગેરે અર્થેનુ મેદાન બનાવી જરૂરી સાધનો સાથે સમગ્ર જગ્યાને ટી.આર.પી. ગેમ ઝોન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ ગેમ ઝોનનુ 60 મીટર લાંબુ તથા આશરે 50 મીટર પહોળુ ફ્રેબ્રીકેશનનુ આખુ સ્ટ્રકચર આગની લપેટમાં આવી ગયું હતું. આ દરમિયાન ફાયર વિભાગ દ્રારા પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવાની કાર્યવાહી કરવામાં આવતી હતી અને જેભાગમાં આગ કાબુમાં આવી તે જગ્યાએથી પ્રવેશ કરી ફાયર વિભાગના માણસો દ્વારા આગથી બળેલા મૃતદેહો બહા૨ કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સત્વરે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગીરીરાજ હોસ્પીટલમાં ધુમીતભાઇ કુંજડીયા (2) મનીષભાઇ ખીમસુરીયા (3) જીજ્ઞાબા જાડેજાને ઇજા પહોંચતા સારવાર આપવામાં આવી રહી છે.

આ બનાવ અંગે આગ બુજાવવાની કામગીરીમાં રોકાયેલ ફાયર અધિકારી ભીખાભાઇ જીવાભાઇ ઠેબાનું નિવેદન લેવામાં આવતા તેમણે જણાવ્યું છેકે, આ ટી.આર.પી. ગેમ ઝોન સંપુર્ણ ફેબ્રીકેશનના સ્ટકચર પર બનેલ જણાઇ છે. જેમાં બેઝ તરીકે લોખંડની એન્ગલો તથા ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરી બનાવેલ છે. જેમાં અંદર અલગ અલગ વિભાગોમાં ગેમ ઝોન બનાવેલી હતી. જેમાં ખુબજ મોટા પ્રમાણમાં ઇલકેટ્રીક વાયરીંગ તેમજ એ.સી.ના વેન્ટ લાગેલ હતા. જો આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેનેપહોંચીવળી રોકી શકાય તેમજ મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઇ ખાસ અસરકારક ફાયર સાધનો જણાઇ આવેલ ન હતા.

ઉપરાંત મારી જાણકારી મુજબ આ ટી.આર.પી. ગેમ ઝોન દ્રારા કયારેય ફાયર એન.ઓ.સી. અમારા વિભાગમાં અરજી ઇન્વર્ડ કરેલ નથી કે ફાયર એન.ઓ.સી. મેળવેલ નથી જેથી કોઇપણ પ્રકારની આગની ઘટનાને કાબુમાં લેવા માટેની સાધન સામગ્રીની વ્યવસ્થાન આ ગેમ ઝોનના સંચાલકોએ રાખેલ ન હોવાનુ પ્રાથમીક રીતે જણાઇ આવેલ છે.

આ વિગતો જોતા આ સમગ્ર બનાવમાં ધવલભાઇ ભરતભાઇ, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈ યાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ આમ ઉપરોકત છએય ભાગીદારોએ આ ટી.આર.પી. ગેમ ઝોન ખાતે કોઇપણ આગજનીને પહોચી વળવાના પર્યાપ્ત સાધનો કે અગ્નિ સમન વિભાગની જરૂરી મંજૂરી કે એન.ઓ.સી મેળવ્યા વગર માનવ જીવન જોખમાય અને આગનો બનાવ બનયે મનુષ્યના જીવ જાય તેવી જાણકારી હોવા છતા આ ગેમ ઝોનને બનાવી જોખમી રીતે ચાલુ રાખવાને લીધે આ બનાવ બનેલાનુ જણાઇ આવે છે.